गुजरात

77મા પ્રજાસત્તાક દિનની નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ઉજવણી

-NFSU વૈશ્વિક ફોરેન્સિક ક્ષેત્રે નેતૃત્વ પૂરું પાડશેઃ ડૉ. જે.એમ. વ્યાસ

-કાર્યક્રમના ‘મુખ્ય અતિથિ’પદે કઝાકિસ્તાનના આંતરિક બાબતોના નાયબ પ્રધાન ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર। નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે 77મા પ્રજાસત્તાક દિનની સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. ‘પદ્મશ્રી’થી સન્માનિત, NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે તા.26 જાન્યુઆરી, 2026ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં કઝાકિસ્તાનના આંતરિક બાબતોના નાયબ પ્રધાન મેજર જનરલ આઈદર સૈતબેકોવ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મેજર જનરલ સૈતબેકોવે કઝાકિસ્તાનના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું પણ નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે પ્રો.સ્ટીફન બાર્ન્સ, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી, યુએસએ અને શ્રી પરિંદુ ભગત, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ-NFSU ‘અતિથિ વિશેષ’ તરીકે મંચ ઉપર બિરાજમાન હતા. ‘પદ્મશ્રી’થી સન્માનિત, NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે NFSUની સ્થાપના વર્ષ-2009માં થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં 13 કેમ્પસ અને વિદેશમાં યુગાન્ડા ખાતે પણ કેમ્પસ ધરાવે છે. NFSU વૈશ્વિક સ્તરે ફોજદારી ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાની સાથે નેતૃત્વ પૂરું પાડવા કટિબદ્ધ છે. વિશ્વના અનેક દેશોએ તેમના સંબંધિત દેશોમાં કેમ્પસ સ્થાપવા માટે NFSUનો સંપર્ક કર્યો છે. જેમાં કઝાકિસ્તાન તરફથી આવી જ એક દરખાસ્ત વિચારણા હેઠળ છે. ડૉ. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ નાર્કો-સાયબર આતંકવાદ અને નકલી ચલણના વધતા જતા જોખમો સાથે ઝઝૂમી રહ્યું છે, જે વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે. NFSU આ પ્રકારના ગુનાઓનો સામનો કરવા માટે અદ્યતન તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. NFSU ફોરેન્સિક વિજ્ઞાન અને સંલગ્ન ક્ષેત્રોમાં ઉચ્ચ કુશળ માનવબળ તૈયાર કરીને વિશ્વભરમાં કાયદા અમલીકરણ અને ન્યાયિક પ્રણાલીઓને સશક્ત બનાવવા કટિબદ્ધ છે. પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડમાં અતૂટ દેશભક્તિ અને શિસ્તનું પ્રદર્શન કરતા NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ સક્રિયપણે ભાગ લઈને પોતાનું સમર્પણ દર્શાવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમોથી જીવંત બની હતી. જેમાં દેશભક્તિના ગીતો, સમૂહ નૃત્ય, કાવ્ય-પઠનનો પણ સમાવેશ થયો હતો. પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર, શ્રી સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU; પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી; પ્રો. (ડૉ.) સતીશ કુમાર, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ભોપાલ; વિવિધ સ્કૂલ્સના ડીન; અધ્યાપક ગણ; વિદ્યાર્થીઓ અને સ્ટાફ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button